53 વર્ષ પહેલાં માનવે પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર ભણી પ્રયાણ કર્યું હતું ત્યારે ચંદ્રની ધરતી પર ઝંડો ફરકાવવો કે પગની છાપ છોડવી એ આશય હતો. એ કાળ યુએસએ અને સોવિયેત સંઘ વચ્ચેની ચડસાચડસીનો હતો અને દરેક મોરચે પોતાનું વર્ચસ-આધિપત્ય સ્થાપવાની હુંસાતુંસીનો હતો. જોકે, આજે ચંદ્રની પૃથ્વી પરથી ન દેખાતી બાજુએ પહોંચનાર આર્ટેમિસ-2નો આશય સાવ જુદો છે. હાલ, અમેરિકા અને ચીન વચ્ચે ચંદ્રને લઈને સ્પૅસ રેસ ચાલી રહી હોવા છતાં અવકાશને લઈને વિશ્વના એક વ્યાપક અને નવા અભિગમનું પ્રતિનિધિત્વ આર્ટેમિસ-2 કરી રહ્યું છે. આ મિશન અવકાશના સુરક્ષિત સંશોધન માટેની શ્રેષ્ઠ પ્રણાલીઓ તથા સામાન્ય સિદ્ધાંતો અને માર્ગદર્શિકા રજૂ કરતા કરારનો હિસ્સો છે, જેના પર ભારત સહિત પચાસ દેશોએ હસ્તાક્ષર કર્યા છે.
ચંદ્ર વિશે વધુ જાણવા માટે, અવકાશમાં વધુ ઊંડાણમાં જવા માટે તથા ભવિષ્યમાં મંગળ
મિશન માટે વધુ એકવાર ચંદ્ર પર માનવના ઉતરાણનો આશય આર્ટેમિસ-2 માટે અમેરિકાની અવકાશ
સંશોધન સંસ્થા નાસાએ રાખ્યો છે. 2022માં આર્ટેમિસ-1 માનવરહિત યાન ચંદ્રની કક્ષામાં
મોકલવામાં આવ્યું હતું. આર્ટેમિસના બીજા તબક્કામાં ચાર અવકાશયાત્રીઓને ચંદ્રની નજીક
મોકલી સુરક્ષિત પાછા લાવવાનો આશય છે, આમાં અમેરિકાના રીડ વાઈજમેન, વિક્ટર ગ્લૉવર, ક્રિસ્ટિના
કોચ અને કૅનેડાના જેરેમી હૅન્સનનો સમાવેશ થાય છે. 2028માં ચંદ્રની ધરતી પર માનવ ફરી
ઉતારવા પહેલાં અવકાશવીરો હાલની ખેપમાં લાઈફ-સપોર્ટ સિસ્ટમ અને નેવિગેશન ક્ષમતાઓની ચકાસણી
કરવાના છે. બધું ગણતરી પ્રમાણે પાર પડયું તો આજે (છઠ્ઠી એપ્રિલ) આર્ટેમિસ-2 ચંદ્રના
ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરશે અને એ પછીના દિવસે 6400થી 9400 કિ.મી. દૂરના
અંતરે પહોંચશે. 11મી એપ્રિલે પૃથ્વી પર આ અવકાશવીરો પાછા ફરશે.
ચંદ્ર આપણા સૂર્યમંડળનું દફતરખાનું કે ગ્રંથાગાર છે, પૃથ્વીની સપાટી ટેક્ટોનિક
પ્રવૃત્તિઓ, હવામાન અને ધોવાણ-ઘસારાને કારણે સતત આકાર બદલતી રહે છે, પણ ચંદ્ર અબજો
વર્ષોના ઈતિહાસને જેમનું તેમ સાચવીને બેઠું છે, આથી અહીંની સપાટીનો અભ્યાસ સૂર્યમંડળના
ઇતિહાસ વિશે ઘણું બધું કહી શકે છે. વળી, આ અભ્યાસથી શુક્ર અને મંગળ જેવા સજીવસૃષ્ટિ
માટે અનુકૂળ ગ્રહો પર એક કાળમાં કેવી પરિસ્થિતિ હતી એની સમજ પણ મળી શકે છે. ભવિષ્યના
અવકાશ સાહસો માટે ચંદ્રની ભૂમિનો ઉપયોગ પ્રયોગશાળા અને લૉન્ચપૅડ તરીકે કરવાની શક્યતાઓની
દૃષ્ટિએ પણ આર્ટેમિસ મિશન અત્યંત મહત્ત્વનો છે.