ઈરાન યુદ્ધમાં કયા સમયે કયા તાનપલટો આવશે? અને ક્યારે કયો પક્ષ શું કરશે? તથા છેવટે શું પરિણામ આવશે? આ બધાની આગાહી કરી શકાય એમ નથી. જોકે, છેલ્લા એક મહિનાથી વધુ સમયના ઘટનાક્રમથી એ તો તય છે કે, વૈશ્વિક સહકાર અને ક્રૂડતેલના દરોમાં અનિશ્ચિતતા યથાવત્ રહેશે. ટ્રમ્પ અલ્ટિમેટમ આપ્યા કરે છે અને ઈરાન પણ હોર્મુઝની ખાડી પર જાપતો વધારી વિશ્વનું કાંડું આમળ્યા કરે છે. અમેરિકા યુદ્ધ અટકાવવા થનગને છે, પણ નમતું જોખ્યા વિના, વળી ઈરાન અને ઇઝરાયલની ઇચ્છા વિના સંઘર્ષ-ઘર્ષણ અટકવાના આસાર નથી. ટ્રમ્પે યુરોપ અને એશિયાને કહી દીધું છે કે, હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડતેલ પસાર કરાવી શકતા હો તો જાતે કરાવી લો. યુરોપિયન દેશોએ ભલે અત્યારે તો ટ્રમ્પ સામે માથું ઊંચક્યું હોય એવું લાગે છે, પણ તેમની પાસે ન તો એવી મિલિટરી ક્ષમતા છે કે ન તો રાજકીય શક્તિ કે જનતાનો ટેકો છે. અમેરિકા ધારે તો પણ નાટોમાંથી ખસી શકે એમ નથી, ભલે સંયુક્ત રાષ્ટ્રો તથા અન્ય વૈશ્વિક સંસ્થાઓથી તે અંતર વધારી રહ્યું હોય.
ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજો-અૉઈલ ટેન્કરો પાસેથી ટૉલ વસૂલવાનું
શરૂ કર્યાના અહેવાલો નિયમિતપણે આવી રહ્યા છે. એ જોતાં ભવિષ્યમાં સ્ટ્રેઈટ અૉફ મલાક્કા,
તાઈવાન, બાબ-અલ મંદેબ અને સુંદા સ્ટ્રેઈટ તથા અન્ય આવા સમુદ્રી માર્ગો જેની આણ હેઠળ
આવે છે, એવાં રાષ્ટ્રો ટૉલ વસૂલવાનું શરૂ કરશે, તો ક્રૂડના ભાવમાં અનિશ્ચિતતા ઊભી કરતાં
પરિબળમાં ઓર એકનો વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રોમાં અત્યારે જે મુક્તપણે જહાજો
આવ-જા કરી શકે છે, તેમાં અવરોધ ઊભો થઈ શકે છે. આ સાથે જ અમેરિકા ફર્સ્ટના ટ્રમ્પના
અભિગમ તથા બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકાએ યુરોપની સુરક્ષાના ઉપાડેલા ખર્ચ-જવાબદારી પ્રમાણેનું
વળતર મળ્યું નથી, એવી દલીલમાં વજૂદ તો છે જ અને આ બાબતે તેમના ટેકેદારો-મતદારોનું પ્રમાણ
વધારવામાં મદદ કરી છે. આથી, ટ્રમ્પ સત્તાથી દૂર થયા પણ અમેરિકાની નીતિમાં એક કાયમી
પરિવર્તન આવવાનું નકારી શકાય એમ નથી. વૈશ્વિક સહકારનો યુગ એકાએક પડી નહીં ભાંગે તોય
તેમાં પડેલી તડ અને લાગેલા ઘસારાને કારણે તેનું માળખું અગાઉ જેવું તો નહીં જ રહે. શીતયુદ્ધના
અંત પછી વિશ્વ બે છાવણીમાં વહેંચાયેલું છે અને ભારતે કોઈ એક છાવણીમાં બેસવાનું ક્યારેય
સ્વીકાર્યું નથી, આથી આપણી વિદેશનીતિને નવી વ્યવસ્થા માફક આવે એવી છે. જોકે, અમેરિકા
યુદ્ધને અધવચ્ચે છોડી વાવટા સંકેલી લે છે કે પછી ઈરાનનો ખુરદો બોલાવી દે છે, આ બન્ને
પરિસ્થિતિમાં કાયમી નુકસાન અને નિયમો-ધોરણો તોડી મનમાની કરવાની ખોટી પ્રથાને વેગ મળશે
અને સરવાળે અનિશ્ચિતતાઓ વધુ દૃઢ થશે.