પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં મહિલા અનામત જ હવે મુખ્ય મુદ્દો છે. આ બન્ને રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યા ખાસ્સી મોટી છે. તામિલનાડુમાં કુલ મતદારોમાંથી 51 ટકા મહિલાઓ છે અને મતદારયાદીમાંથી બાકાત થયેલાં નામ મુદ્દે વિશેષ અપીલેટ ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલી રહી છે અને હાલના આંકડા મુજબ સ્ત્રી મતદારોનો આંકડો 3.3 કરોડ જેટલો છે. આવામાં, બન્ને રાજ્યોમાં સત્તાની ચાવી આડકતરી રીતે સ્ત્રીઓના હાથમાં છે. નજીકના ભૂતકાળ પર નજર કરીએ તો વિધાનસભાઓની ચૂંટણીઓમાં તમામ પક્ષો મહિલા મતદારોને રીઝવવાના પ્રયાસ કરતા નજરે પડે છે અને એવાં રાજ્યો જ્યાં માતા, બહેનો અને દીકરીઓ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓ રજૂ કરનારા પક્ષોની સત્તા આવી છે. આ યોજનાઓ જીતની ખાતરી જેવી સાબિત થઈ છે, છતાં તેના કારણે રાજ્યોની આર્થિક સ્થિતિ પર અસર પડયાનું પણ જોવા મળે છે. ખાસ તો પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવાં રાજ્યો જ્યાં પહેલેથી લોકોને રીઝવતી અનેક યોજનાઓ ચાલી રહી છે અને હવે તેમાં આ નવી બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓનો ઉમેરો થવાનો છે. વર્ષ 2022થી સત્તાધારી પક્ષો મહિલાઓને આકર્ષતી કૅશ ટ્રાન્સફર યોજનાઓ રજૂ કરી ફરી સત્તા હાંસલ કરી છે. આર્થિક વર્ષ 2026માં જ દેશનાં બાર રાજ્યોએ સાથે મળીને 1,68,040 કરોડ જેવી તાતિંગ રકમ મહિલાઓને બિનશરતી કૅશ ટ્રાન્સફર માટે ફાળવી છે, આ આંકડો દેશના જીડીપીના આશરે 0.5 ટકા જેટલો થાય છે.
મહિલા સશક્તીકરણના નામે
થઈ રહેલી રેવડીની વહેંચણીમાં બંગાળ અને તામિલનાડુમાં બધા જ રાજકીય પક્ષો જોડાયા છે.
ભાજપે બંગાળમાં મહિલાઓને વર્ષે રૂા. 36,000ની મદદ, દીકરીઓને શિક્ષણ માટે પાંચ હજાર
રૂપિયાની સહાય તથા ખેતી સાથે સંકળાયેલી સ્ત્રીઓને વધારાના નવ હજાર રૂપિયા આપવાની જાહેરાત
કરી છે. તો, તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા ચલાવાતી લક્ષ્મી ભંડાર યોજના અંતર્ગત અપાતી રકમમાં
વધારો કરવાની જાહેરાત કરી છે, તો કૉંગ્રેસે મહિલાઓને મહિને બે હજાર રૂપિયાની મદદ કરવાની
ઘોષણા કરી છે. તો, તામિલનાડુમાં પણ ડીએમકેએ પણ રેવડીઓની બેફામ જાહેરાત કરી છે. બંગાળની
મહેસૂલી આવકનો 42 ટકા હિસ્સો કરજના વ્યાજની ચુકવણીમાં જાય છે, તામિલનાડુમાં આ પ્રમાણ
28 ટકા છે. બંગાળમાં તો સાતમા વેતન પંચની ભલામણો પણ પૂરેપૂરી લાગુ થઈ શકી નથી અને સરકારી
કર્મચારીઓએ ચડી ગયેલા ડીએની વસૂલાત માટે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. મહિલાઓના સશક્તીકરણના
નામે દરેક રાજકીય પક્ષ રેવડી વહેંચવા ઊતરી પડયા છે, સત્તા મેળવવા માટેના આ શૉર્ટ કટને
કારણે માળખાકીય સુવિધાઓ પરના ખર્ચ પર કટ મૂકવાનો ટ્રેન્ડ લાંબા ગાળે જોખમી ઠરે એવો
છે.