• મંગળવાર, 05 મે, 2026

માનવી, મશીન અને મૅરેથોન

પહેલા બાજિંગમાં રોબોટ્સ માટે યોજાયેલી એક હાફ-મૅરેથોનમાં હ્યુમનોઈડ રોબોટે માનવ વિશ્વ વિક્રમ કરતા ઝડપી ગતિએ દોડી માત્ર 50 મિનિટ અને 26 સેકન્ડમાં 21.1 કિ.મી.ની સ્પર્ધા જીતવાનો વિક્રમ કર્યો. એ પછી ઈંગ્લૅન્ડથી સમાચાર આવ્યા કે, વિશ્વ પ્રસિદ્ધ લંડન મૅરેથોનમાં ફુલ મૅરેથોન એટલે કે 42.115 કિ.મી.ની સ્પર્ધા કેન્યાના સેબેસ્ટિયન સાવેએ બે કલાકની અંદર પૂરી કરી વિક્રમ રચી નાખ્યો. મૅરેથોન આમ પણ ઝડપ કરતાં ચોકસાઈ અને શારીરિક સહનશક્તિની કસોટી જેવી હોય છે, 100 મીટરની દોડ દસ સેકન્ડની અંદર પૂરી કરવાનું માનવે બહુ પહેલાં જ સાધ્ય કરી લીધું છે, પણ મૅરેથોન બે કલાકની અંદર (એક કલાક 59 મિનિટ અને ત્રીસ સેકન્ડ) પૂરી કરવાનું પરાક્રમ ક્યારે થશે એના દિવસો ગણાતા હતા. માનવ અને યંત્ર વચ્ચેની સ્પર્ધા દાયકાઓથી થાય છે અને કેટલાક અપવાદરૂપ કિસ્સા બાદ કરતા મશીન માનવ કરતાં આગળ રહ્યા છે. જોકે, મૅરેથોનમાં કેન્યાના સાવેએ રચેલો ઇતિહાસ યંત્રમાનવના વિક્રમ કરતાં અનેક રીતે વિશિષ્ટ છે. કૃત્રિમ પ્રજ્ઞાના આજના કાળમાં માનવની ક્ષમતા અને કૌશલ્યની કસોટી તથા શારીરિક સામર્થ્યની પરીક્ષા કરતી મૅરેથોનનું મહત્ત્વ અલગ જ છે.

હાફ-મૅરેથોનનો માનવીય વિક્રમ યુગાન્ડાના જેકબ કિપ્લિમોના નામે છે, જેણે 21 કિ.મી.નું આ અંતર 57 મિનિટ વીસ સેકન્ડમાં પૂરું કર્યું હતું. તો, ફુલ મૅરેથોન બે કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરવાનું પરાક્રમ (એક કલાક, 59 મિનિટ અને 40 સેકન્ડ) આ પહેલાં 2019માં કેન્યાના જ એલિયુદ કિપચોગે કર્યું હતું, પણ એ દોડના આંકડાને સત્તાવાર માન્યતા અપાઈ નહોતી અને તેના ધોરણોમાં પણ કેટલીક છૂટછાટ હતી. જોકે, રિપચોગે એકાદ વર્ષ પહેલાં જ બર્લિન મૅરેથોનમાં 2.01.39માં મૅરેથોન પૂર્ણ કરી વૈશ્વિક વિક્રમ રચ્યો હતો. 2022માં પોતાનો જ વિક્રમ તેણે ત્રીસ સેકન્ડથી સુધાર્યો હતો. જોકે, તેનો આ વિક્રમ અલ્પજીવી નીવડયો અને 2023માં કેન્યાના જ કેવિન કિપ્તમે બે કલાક પાંત્રીસ સેકન્ડમાં શિકાગો મૅરેથોન પૂરી કરી નવો વિક્રમ સ્થાપ્યો. જોકે, કમનસીબે કિપ્તમનું એક અકસ્માતમાં મૃત્યુ થયું. આ વખતની લંડન મૅરેથોનમાં સાવેએ વિશ્વ વિક્રમ કર્યો, તો ઈથિયોપિયાના યોમિફ કેજેલ્ચાએ પણ બે કલાકમાં 19 સેકન્ડ બાકી રાખી મૅરેથોન પૂર્ણ કરી તો બે કલાક 298 સેકન્ડમાં યુગાન્ડાના જેકબ કિપ્લિમોએ બે કલાક 28 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું. ટૂંકમાં, કિપ્તમનો વર્લ્ડ રેકૉર્ડ ત્રણ જણે એક જ સ્પર્ધામાં તોડયો. વિશ્વભરમાં યોજાતી વિવિધ મહત્ત્વની મૅરેથોનમાં કેટલાક અપવાદ બાદ કરતા વિજેતાઓ કેન્યા, ઇથિયોપિયા, યુગાન્ડા, તન્ઝાનિયા અને ઈરિટ્રિયા જેવા આફ્રિકન દેશોના હોય છે. કેન્યાના રિફ્ટવૅલી પ્રદેશમાંથી સૌથી વધુ મૅરેથોન વિજેતાઓ આવે છે, આવું કેમ એના પર અનેક સંશોધનો ચાલી રહ્યા છે. જોકે, મુખ્યત્વે તો સમુદ્રની સપાટીથી આઠેક હજાર ફૂટ ઉપરના આ ડુંગરાળ પ્રદેશના લોકોનું રાજિંદું જીવન જ એટલું હાડમારી-સંઘર્ષ-પડકારો ભરેલું છે કે ચાલવા કરતાં દોડવું તેમના ડીએનએમાં વણાઈ ગયું છે.