જબલપુર અને રાજકોટ બન્ને વચ્ચે ભૌગોલિક અંતર તો 1300 કિલોમીટર જેટલું છે. તાજેતરમાં બનેલી દુર્ઘટનાઓએ બન્ને શહેરને સમાચારમાં ચમકાવી દીધાં છે. પૂર-વાવાઝોડાંને લીધે જળહોનારત થાય તેમાં માણસો તણાઈ જાય, મૃત્યુ પામે તેવું બને. તે પણ અલબત્ત, દુ:ખદ હોય પરંતુ ફરવા-નાહવા ગયેલા લોકો પણ દુર્ઘટનામાં પાણીમાં ડૂબે તે વધારે ગંભીર બાબત છે અને ત્યાં પ્રશાસન, પ્રજા બન્નેની જવાબદારી, વિવેકબુદ્ધિની કસોટી થાય. સૌથી અગત્યની વાત એ છે કે આ બન્ને- પ્રજા અને પ્રશાસન પણ દુર્ઘટના વખતે જ જાગે છે. થોડા સમય પછી બધું વહેતાં પાણી જેવું થઈ જાય છે. આ બન્ને દુર્ઘટનામાં પણ તેવું ન થાય તો જ નવાઈ.
મધ્ય પ્રદેશના જબલપુરના બરગી ડેમમાં ગુરુવારે એક ક્રુઝ ગતિશીલ હવા અને તોફાનને
લીધે પાણીમાં ઊંધી વળી ગઈ, 9 મુસાફરોનાં મૃત્યુ થયાં. આનંદ કરવા, ફરવા ગયેલા માણસોનો
કિલ્લોલ ગણતરીની મિનિટોમાં ભય અને સંબંધી-સગાઓના આક્રંદમાં પલટાઈ ગયો. જે વીડિયો દુર્ઘટના
પછી વિવિધ માધ્યમોમાં આવ્યા તેમાં દેખાયું કે લાઈફ જેકેટ કોઈએ પહેર્યાં નહોતાં એટલે
તે બેદરકારી ક્રુઝ સંચાલકોની તો ખરી, પરંતુ મુસાફરોની પણ કહેવાય. એવું પણ સ્થાનિક માધ્યમોમાં
હતું કે તે દિવસે 50 કિલોમીટર પ્રતિકલાક સુધીની ગતિથી પવન ફૂંકાશે તેવી ચેતવણી હતી,
તોફાન શરૂ થઈ ગયું છતાં ક્રુઝ કૅપ્ટને તે પાછી વાળી નહોતી. બધી દુર્ઘટનામાં થાય છે
તેમ અહીં પણ હવે તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બની છે અને ક્રુઝ માટે હવે એસઓપી બનશે.
રાજકોટના આજી ડેમમાં શનિવારે બપોરે ચાર વ્યક્તિના ડૂબી જવાથી મૃત્યુ થયાં. માતાજીનાં
દર્શન કર્યાં બાદ તેઓ ત્યાં રિક્ષા ધોઈને નાહવા ગયા હતા. આજી ડેમમાં આ પ્રથમ બનાવ નથી.
દોઢ દાયકા પૂર્વે ગણેશ વિસર્જન સમયે 6 નાગરિકોનાં મૃત્યુ પણ ડૂબી જવાથી થયાં હતાં.
નદીકાંઠે તો સલામતી વ્યવસ્થા શક્ય નથી. ડેમ કે તળાવ કે પછી નર્મદા જેવી કૅનાલ
આસપાસ ચેતવણી-સલામતીનાં બોર્ડ લગાવવામાં આવે છે. સિક્યોરિટી ગાર્ડ પણ હોય છે, પરંતુ
આમાંનું મોટા ભાગે કાગળ પર હોય. વડોદરાની હરણી બોટ દુર્ઘટના પણ અહીં યાદ આવે. તંત્ર
પાસે જવાબ હોય છે. સમિતિ હોય છે. અસરગ્રસ્તોને આપવા માટે રાહતની રકમ હોય છે, પરંતુ
નિયમ પાલનની વ્યવસ્થા અને નિયમ ભંગ કરનાર માટે દંડ નથી. આવી દુર્ઘટનાઓ બને તેમાં લોકોની
પણ જવાબદારી છે. ગેઈમ ઝોનમાં અગ્નિશમન વ્યવસ્થા છે કે નહીં? ક્રુઝમાં લાઈફ જેકેટ છે
કે નહીં? તેવું કંઈ પણ જોયા વગર તેઓ જાય છે. મોરબીના પુલની દુર્ઘટના માટે જેઓ જવાબદાર
છે તેઓ છે જ, પરંતુ એકસાથે સેંકડો લોકો ત્યાં પહોંચી ગયા તેમને પોતાના જીવનનાં જોખમ
વિશે વિચાર નહીં આવ્યો હોય? આખરે તો આવી કોઈ પણ ઘટનાથી વ્યક્તિને તેની પોતાની સતર્કતા
અને જાગૃતિ સિવાય કોઈ બચાવી શકે નહીં.