• શનિવાર, 20 એપ્રિલ, 2024

વડા પ્રધાન મોદી 20મી જૂને અમેરિકાની યાત્રાએ થશે રવાના

નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20થી 25 જૂન સુધી અમેરિકા અને ઈજીપ્તનો પ્રવાસ કરશે. વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે આ જાણકારી જારી કરવામાં આવી છે. મોદી અમેરિકી પ્રમુખ જો બાયડન અને  પ્રથમ મહિલા જિલ બાયડનના નિમંત્રણ ઉપર 20થી 24 જૂન સુધી અમેરિકાની યાત્રા કરશે. તેઓ 22મી જૂનના રોજ મોદી માટે રાજકીય ભોજન સમારોહની મેજબાની કરશે. આ યાત્રા દરમિયાન મોદી 22મી જૂને અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધન કરશે.   

મંત્રાલયે કહ્યું હતું કે, વડા પ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ જો બાયડન સાથે પોતાની ઉચ્ચ સ્તરીય વાર્તાના ક્રમને આગળ વધારતા 22મી જુને વોશિંગ્ટનમાં મુલાકાત કરશે. આ યાત્રા દરમિયાન જો બાયડન અને જિલ બાયડન 22મી  જૂને સાંજે મોદીના સન્માનમાં રાજકીય ભોજન સમારોહની મેજબાની પણ કરશે. 21મી જૂને મોદી ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આગેવાની કરશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું લક્ષ્ય દુનિયાભરમાં યોગ અભ્યાસ માટે જાગૃતતા  ફેલાવવાનું છે.

યોગના લાભને ધ્યાને લઈને ડિસેમ્બર 2014મા સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. બાદમાં 22મી જૂને અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીસ અને વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન બપોરના ભોજન સમારોહની મેજબાની કરશે. મંત્રાલયે જાણકારી આપી હતી કે આ યાત્રા દરમિયાન મોદી વોશિંગ્ટનમાં ઘણી પ્રમુખ કંપનીઓના સીઈઓ, પ્રોફેશનલ્સ અને અન્ય હિતધારકો સાથે વાતચીત કરશે.