• મંગળવાર, 08 જુલાઈ, 2025

સાથે આવ્યા, સાથે રહેશે?

વીસ વર્ષે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જાહેરસભામાં સાથે આવ્યા પણ સાથે રહેશે ખરા? આ પ્રશ્ન ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ ગણાતા - પ્રવક્તા સંજય રાઉતે ઉઠાવ્યો છે! વીસ વર્ષ અગાઉ સત્તા માટે છૂટા પડયા હતા - ઉદ્ધવ એમના પિતાશ્રી, શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના રાજકીય - ગાદીવારસ બન્યા અને રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી. છેલ્લા કેટલાક સમયથી ઠાકરે બંધુઓ હાથ મિલાવશે? એવો પ્રશ્ન બંનેની છાવણીઓમાં ચર્ચાઈ રહ્યો હતો અને ઉદ્ધવ ઠાકરેએ જ્યારે જાહેરમાં કહ્યું કે મહારાષ્ટ્રનાં હિત હશે તેમ થશે અને શિવસૈનિકોની મરજી હશે તેમ થશે - ત્યારે `સંગમ' સમજૂતી થવાનો સ્પષ્ટ સંકેત મળી ગયો હતો અને આખરે ઠાકરે બંધુઓ જાહેરસભામાં ભેગા થયા ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - `અમે સાથે આવ્યા છીએ અને સાથે રહીશું' આ વાક્યનો ગૂઢ અર્થ છે સાથે રહીશું - અર્થાત્ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની સેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ભળીને એક `સેના' બનશે? કે અલગ રહીને ચૂંટણીમાં સાથે રહેશે? આવી ચર્ચા શરૂ થઈ છે પણ તેનો જવાબ મુંબઈ સુધરાઈની ચૂંટણી વખતે જ મળી શકશે.

જાહેરસભામાં ઉદ્ધવ ઠાકરેના સંકેતનો કોઈ જવાબ કે પ્રતિભાવ રાજ ઠાકરેએ આપ્યો નથી. ઉદ્ધવે રાજકીય મુદ્દા - સત્તા ગુમાવ્યાનો ઇતિહાસ યાદ કર્યો પણ રાજ ઠાકરે માત્ર મરાઠી ભાષાના ગૌરવ અને મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા `ઠોકી બેસાડવાના' પ્રયાસ ઉપર બોલ્યા. ઇંગ્લિશ માધ્યમના શિક્ષણ અને મરાઠી ભાષાના ગૌરવનો કોઈ પ્રશ્ન નથી એમ કહ્યું - `સાથે રહેવા' બાબત કાંઈ બોલ્યા નથી - તેની નોંધ નિરીક્ષકોએ લીધી છે. એટલું જ નહીં, ભાજપ-શિવસેનાએ પણ લીધી છે અને ઉદ્ધવ ઠાકરે માત્ર સત્તા માટે અને રાજ ઠાકરે મરાઠી ભાષા માટે લડે છે એવા પ્રતિભાવ આપ્યા છે.

ભાજપ-શિવસેનાની મહાયુતિને હજુ આશા છે કે આખરે તો રાજ ઠાકરે મુંબઈ સુધરાઈ અને રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એમએનએસનો `સાથ' મળશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેએ સમજૂતી કરી જ હતી. મહાયુતિના નેતાઓ માને છે કે ઉદ્ધવ ઠાકરે સાથે સમજૂતી અને ટિકિટ વહેંચણી આસાન નથી પણ મહાયુતિએ રાજ ઠાકરે માટે બારી ખુલ્લી રાખી છે! દેવેન્દ્ર ફડણવીસ અને રાજ વચ્ચે હજુ મહિના પહેલાં જ ખાનગી બેઠક યોજાઈ હતી. ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે હિન્દી ભાષાને લગતા આદેશો પાછા ખેંચી લીધા છે. આમ રાજ ઠાકરે `સાથે રહેશે' - પણ કોની સાથે? એ પ્રશ્ન છે!

આવી ભાવિ અનિશ્ચિતતા વચ્ચે સંજય રાઉતે પણ `સામના'માં લેખ દ્વારા રાજ ઠાકરેને સલાહ આપીને રાજ સામે `લાલ બત્તી' ધરી છે. ભાજપ અને એકનાથ શિંદે સાથે જઈને શું મેળવ્યું? ઊલટાનું સ્થિતિ અને નામ ખરડાયું છે. હવે રાજ ઠાકરેએ ભાજપ અને શિંદે સાથે જવાની ઇચ્છા છોડી દેવી જોઈએ. આમ કહેવા પાછળ સંજય રાઉતનો સંકેત સ્પષ્ટ છે: રાજ ઠાકરેએ હવે સ્પષ્ટ મક્કમ રહેવું પડશે અને ઉદ્ધવ ઠાકરેને બાંયધરી - ખાતરી આપવી જોઈએ.

રાજ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ સાથે ચાયની ચૂસકી લીધી. અમિત શાહને મળવા માટે રાજ ઠાકરે નવી દિલ્હી ગયા પણ કાંઈ વળ્યું નહીં. હવે મરાઠી વોટની ટકાવારી વધારીને આપણે ભેગા થઈને તમામ સુધરાઈઓ, જિલ્લા પરિષદો અને વિધાનસભાની ચૂંટણીમાં પડકાર આપવાનો છે - અને તો જ મરાઠી માણુસ સ્વમાનથી જીવી શકશે. નહીં તો નગારાં વાગતાં રહેશે, સૂત્રો પોકારાતાં રહેશે અને બ્યૂગલો ફૂંકાતા રહેશે. સંજય રાઉતે આ શબ્દોમાં રાજ ઠાકરેને સંદેશ આપ્યો છે: - `સાથે જ રહેવાનો'!

આ દરમિયાન રાજ ઠાકરેના કાર્યકરોએ એક વ્યાપારીને મારેલા થપ્પડના પડઘા પડી રહ્યા છે. શરદ પવાર અને કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાલ ઠાકરે બંધુના `વિજય ઉત્સવ'માં હાજર રહ્યા નહીં તેનું કારણ સ્પષ્ટ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કરતાં રાજ ઠાકરે સાથેનો સંબંધ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસને ભારે પડે એમ છે. રાજ ઠાકરેએ ઉત્તર ભારતીય લોકો સામે હિંસક વિરોધી આંદોલન કર્યું હતું. રાજ ઠાકરેએ મસ્જિદોના લાઉડસ્પીકર હટાવવા માટે પણ આંદોલન કર્યું હતું - આ વાત મુસ્લિમો ભૂલ્યા નથી અને ઉદ્ધવ ઠાકરે રાજ સાથે સમજૂતી કરે તે સ્વીકારી નહીં શકે એમ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ માને છે. મહારાષ્ટ્રમાં આ બંને પક્ષોને કેટલી બેઠકો - ટિકિટો ફાળવાશે તે પણ કહી શકાય નહીં અને મહારાષ્ટ્ર લેવા જતાં બિહાર અને સમસ્ત ઉત્તર ભારતમાં કૉંગ્રેસે કિંમત ચૂકવવી પડે.

આમ ગણતરીપૂર્વક ગેરહાજર રહીને જુનિયર નેતાઓને હાજરી પૂરવા મોકલવામાં આવ્યા હતા.

રાજકારણમાં શરદ પવાર જેવા રાષ્ટ્રીય નેતા મુખ્ય હોવા જોઈએ ત્યારે રાજ ઠાકરે - ઉદ્ધવ ઠાકરેની સભામાં એમનું સ્થાન અને માન?

ભાજપ-શિવસેનાની મહાયુતિને હજુ આશા છે કે આખરે તો રાજ ઠાકરે મુંબઈ સુધરાઈ અને રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એમએનએસનો `સાથ' મળશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેએ સમજૂતી કરી જ હતી. મહાયુતિના નેતાઓ માને છે કે ઉદ્ધવ ઠાકરે સાથે સમજૂતી અને ટિકિટ વહેંચણી આસાન નથી પણ મહાયુતિએ રાજ ઠાકરે માટે બારી ખુલ્લી રાખી છે!