• શનિવાર, 25 માર્ચ, 2023

બૉમ્બે હાઈ કોર્ટે હડતાળ ઉપર ગયેલા કર્મચારીઓને નોટિસ આપી  

મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્ર રાજ્યના 19 લાખ સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ હડતાળ ઉપર છે. આ હડતાળ 14મી માર્ચથી શરૂ થઇ છે અને હડતાળ શરૂ થયાના ત્રણ દિવસ બાદ રાજ્યમાં તમામ સરકારી સેવાઓ ઠપ થઇ ગઇ છે. જેમાં આરોગ્ય વિભાગની સેવા સંપૂર્ણ બંધ રહેતાં સામાન્ય નાગરિકોને ભારે હાલાકી થઇ રહી છે. વકીલ ગુણારત્ન સદાવર્તેએ આ મામલે બૉમ્બે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે શુક્રવારે સુનાવણી દરમિયાન કર્મચારીઓને નોટિસ બજાવવાનો આદેશ આપ્યો હતો. વકીલ સદાવર્તેએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે દરેકને હડતાળ કરવાનો અધિકાર છે, પરંતુ તેનાથી કોઇની હેરાનગતિ કે કનડગત ન થવી જોઇએ. સામાન્ય જનજીવન બાધિત ન થવું જોઇએ. આરોગ્ય, શિક્ષણ અને મધ્યાહન ભોજન જેવી સરકારી સુવિધા બંધ ન થવી જોઇએ. 

તમામ સરકારી સેવાઓ ઠપ થઇ ગઇ હોવાથી સામાન્ય નાગરિકોને હાલાકી થઇ રહી છે. કોર્ટે આ અંગે ગંભીરતાથી વિચારીને નિર્ણય લેવો જોઇએ. 

કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે હડતાળની અસર જોવા મળી રહી છે. હડતાળ ઉપર ઉતરેલા તમામ કર્મચારીઓને નોટિસ બજાવવામાં આવે અને સરકાર વહેલી તકે નાગરિકોને નિયમિત સુવિધા મળે એ અંગેના વિકલ્પની અમલબજાવણી કરે. આ મામલે આગામી સુનાવણી 23મી માર્ચ સુધી મુલતવી રખાઇ હતી.