• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

વેપારીઓના બેમુદત બંધને કારણે કાંદાનો પુરવઠો ખોરવાય એવી વકી  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : કાંદાના વેપારીઓ ફરી એકવાર આક્રમક બન્યા છે. વિવિધ અને લાંબા સમયથી પ્રલંબિત માગણીઓ માટે તેમણે નાસિક જિલ્લાધિકારીઓ સાથે બેઠક યોજી હતી પરંતુ બેઠકમાં કોઈ ઉકેલ નીકળ્યો નથી. આથી કાંદાના વેપારીઓએ હડતાળ શરૂ કરી છે. એશિયાની સૌથી મોટી કાંદાની બજાર ગણાતી લાસલગાવ માર્કેટ સહિત ઘણી જગ્યાએ કાંદાનું લિલામ બંધ કરવામાં આવ્યું છે.  નાસિક જિલ્લાની તમામ 17 એપીએમસી અને ઉપબજાર સમિતિમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. કાંદા ઉત્પાદકોએ પણ કાંદા લાવવાનું ટાળ્યું છે, આથી ધમધમતી એપીએમસી બજારોમાં સોપો પડી ગયો છે. બંધ હોવાને લીધે દરરોજ લગભગ રૂા. 30થી 40 કરોડનું ટર્નઓવર ઠપ થઈ જશે. એક તરફ વરસાદની અછતને કારણે દુકાળની શક્યતા અને બીજી તરફ તહેવારોની સિઝનમાં કાંદાના વેપારીઓની હડતાળને કારણે કાંદા મોંઘા થવાના આસાર જણાઈ રહ્યા છે. 

વેપારીઓએ જણાવ્યું હતું કે નિકાસ ઉપરની ડયૂટી વધારવાના વિરોધમાં અમે આંદોલન શરૂ ર્ક્યું છે. મહારાષ્ટ્રના માર્કેટિંગ ખાતાના પ્રધાન અબ્દુલ સતારે જણાવ્યું હતું કે કાંદાનું લીલામ બંધ કરવાનો નિર્ણય અયોગ્ય છે. બાબતે સહકાર અને માર્કેટિંગ ખાતાના સચિવ અને નાસિક જિલ્લાના ક્લેક્ટર કાયદા મુજબ પગલાં ભરશે.