• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ફાસ્ટટેગનું કલેક્શન વર્ષ 2022માં રૂા. 50,000 કરોડનો આંકડો ક્રોસ કરી ગયું  

ગયા વર્ષે કલેક્શનમાં 46 ટકાનો ઉછાળો 

મુંબઈ, તા. 24 : નેશનલ અને સ્ટેટ હાઇવેઝ પર ફાસ્ટટેગ દ્વારા ટોલ કલેક્શન વર્ષ 2022માં રૂા. 50,000 કરોડનો આંક ક્રોસ કરી ગયું છે. વર્ષ 2022માં ફાસ્ટટેગ દ્વારા ટોલ કલેક્શન વર્ષ 2021ની સરખામણીએ 46 ટકા વધીને રૂા. 50,855 કરોડ થયું છે. અત્યાર સુધીમાં કોઈ એક વર્ષમાં થયેલું આ સૌથી વધુ કલેક્શન છે. એનએચએઆઈના રિપોર્ટ મુજબ વર્ષ 2021માં ફાસ્ટટેગ દ્વારા ટોલ કલેક્શન રૂા. 34,778 કરોડ થયું હતું.

વર્ષ 2022માં ફાસ્ટટેગ ટ્રાન્ઝેક્શન્સમાં 48 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2021માં 219 કરોડ ફાસ્ટટેગ ટ્રાન્ઝેક્શન થયા હતા. એ વર્ષ 2022માં વધીને 324 કરોડ થયા છે.

વર્ષ 2022માં સરેરાશ માસિક કલેક્શન રૂા. 4200 કરોડ જેટલું રહ્યું છે. પ્રથમ વાર માર્ચ 2022માં કલેક્શન રૂા. 4000 કરોડને આંબી ગયું હતું. કુલ 6.40 કરોડ ફાસ્ટટેગ ઇસ્યુ કરવામાં આવ્યા છે. વર્ષ 2021માં ફાસ્ટટેગ અનેબલ્ડ પ્લાઝા 922 હતા એ વર્ષ 2022માં વધીને 1,181 થયા હતા.