• શનિવાર, 25 માર્ચ, 2023

મુંબઈગરા સાવધાન  

એચ3એન2 વાયરસના ચેપથી નાગપુર જિલ્લામાં બે તો નગર જિલ્લામાં એક એમ ત્રણ સંશયિત દર્દીઓનાં મૃત્યુ થયાં છે. મુંબઈમાં પણ આ વાયરસે પગપેસારો કર્યો છે. હાલ શહેર 

અને પરાંની હૉસ્પિટલોમાં 32 દર્દીઓ દાખલ હોવાથી તેમાંના ચારને એચ3એન2નો ચેપ છે. જ્યારે બાકીના 28 જણને એચ1એન1 એટલે કે સ્વાઈન ફ્લૂનો ચેપ છે. આ બધાની હાલત સ્થિર છે. પાલિકાના આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર જાન્યુઆરીથી 14 માર્ચ સુધીમાં ઈન્ફ્લુએન્ઝાના 118 દર્દીઓની નોંધ થઈ છે.

જ્યારે દક્ષિણ મુંબઈના છ અને મધ્ય મુંબઈના - ઈ (ભાયખલા, મઝગાંવ) ડી (તારદેવ, ગિરગામ, વાલકેશ્વર) એફ એસ (પરેલ, શિવરી) એફ એન (માટુંગા, સાયન) જી એસ (વરલી, લોઅર પરેલ, પ્રભાદેવી) અને જી એન (ધારાવી, શિવાજી પાર્ક) વૉર્ડમાં એચ3એન2 અને એચ1એન1નું જોખમ હોવાની ચેતવણી પણ પાલિકાએ આપી છે. જોકે, મુંબઈમાં આ વાયરસથી કોઈ મૃત્યુ થયાં નથી. જોકે, મુંબઈમાં આ બંને વાયરસનો પગપેસારો ચિંતાનો વિષય છે.

તબીબી શિક્ષણ લઈ રહેલા 23 વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ ઈન્ફ્લુએન્ઝાના એચ3એન2ના વાયરસના ચેપના કારણે થયું હોવાની શંકા છે. તાવના દર્દીઓનો વધતો આંકડો જોતાં ભીડ હોય એવાં સ્થાનોએ માસ્ક પહેરવાની જાગરૂકતા સૌએ રાખવી જોઈએ. તાવ કે ખાંસી જેવી બાબતોને અવગણવા કે ઘરમાં ઉપચાર લેવાને બદલે સમયસર ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એચ3એન2 છેલ્લાં કેટલાંક વર્ષોથી અસ્તિત્વમાં છે. દર વર્ષે આ સિઝનમાં તે સક્રિય થાય છે. આમ છતાં આરોગ્ય વિભાગે વર્ષભર તેનું સર્વેક્ષણ કરતા રહેવાની આવશ્યક્તા છે.

કોવિડ મહામારીના સંકટમાંથી બહાર આવ્યા પછી `અચ્છે દિન'ની શરૂઆત થયા બાદ એચ3એન2ના વિષાણુએ માથું ઊંચક્યું છે, પણ આંદોલનો, મોરચા વગેરે શોરબકોરમાં આ સંકટ પ્રતિ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યાનું જણાય છે, એચ3એન2ના દર્દીઓમાં બાળકોની વધુ સંખ્યા ચિંતા કરાવનારી છે. કોવિડ પછી મૂળમાં અનેક નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હોવાથી આ વાયરસ સામે લડવામાં તેમને સમસ્યા થાય છે એવો મત તબીબી ક્ષેત્રના નિષ્ણાતોનો છે.

લગભગ 105 વર્ષ પહેલાં 1918માં દેશમાં ઈન્ફ્લુએન્ઝાથી મહામારીની શરૂઆત થઈ હતી. ત્યારથી આ રોગના વિષાણુઓએ માણસ સાથેનો પોતાનો `સંબંધ' તોડયો નથી.

 છેલ્લાં બે વર્ષમાં માસ્કના ઉપયોગ અંગે જાગરૂકતા ફેલાયેલી હોવાથી આ વાયરસની તીવ્રતા વર્તાઈ નહોતી. હવે માસ્કની ટેવ છૂટી જતાં વાયરસ આક્રમક થઈ પગપેસારો કર્યો હોવાનું નકારી ન શકાય. એકબાજુ મોરચા, આંદોલનો, હડતાળો જેવી પરિસ્થિતિને લઈ અસ્થિરતા નિર્માણ થઈ છે ત્યારે નવા વિષાણુથી સાવધ રહેવાની મુંબઈગરાને ખાસ આવશ્યક્તા છે.  પોતાની સ્વાસ્થ્ય સુરક્ષાને દરેક નાગરિકે પ્રાધાન્યતા આપવું જોઈએ.