• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

પોર્ટ બ્લેરમાં નેતાજીના સ્મારકનું લોકાર્પણ કરતા વડા પ્રધાન  

આંદામાન-નિકોબારના 21 દ્વીપોને પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ અપાયાં 

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 23 : આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતીના અવસરે પોર્ટ બ્લેરમાં તૈયાર કરાયેલા નેતાજીના રાષ્ટ્રીય સ્મારકનું લોકાર્પણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત આંદામાન-નિકોબારના નામ વગરનાં 21 મોટા દ્વિપોનું પરમવીર ચક્રથી સન્માનિત સૈનિકોનું નામકરણ કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગથી કાર્યક્રમમાં હાજર રહેલા વડા પ્રધાને આંદામાન-નિકોબારના પોર્ટ બ્લેર દ્વિપમાં તૈયાર કરેલા નેતાજીના રાષ્ટ્રીય સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. આ સ્મારકમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલા ઇતિહાસનું સંગ્રહાલય, હેરિટેજ ટ્રેઇલ ઉપરાંત પોર્ટ બ્લેર અને ચિલ્ડ્રન પાર્ક સાથે જોડાયેલા રૉપવેને પણ ખુલ્યો મુક્યો હતો.

આ અવસરે અૉનલાઇન સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે આજે નેતાજીની જન્મજયંતી પરાક્રમ દિન તરીકે ઊજવાઈ રહી છે અને એક નવો ઇતિહાસ લખાઇ રહ્યો છે. આગામી પેઢીઓ ઇતિહાસને જાણશે અને તેમાંથી પ્રેરણા લેશે. આજના અવસરે આંદામાન-નિકોબાર દ્વિપ સમૂહના અનામ દ્વિપોને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા લશ્કરના જવાનોના નામ આપીને આપણા રાષ્ટ્ર માટે ત્યાગ અને બલિદાન આપનારા સપૂતોની પણ કાયમી યાદગીરી તૈયાર કરાઇ છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવા માટે વીરગતિ પામેલા જવાનોને આ શ્રદ્ધાંજલિ છે. 

પોર્ટ બ્લેરમાં આયોજિત કાર્યક્રમમાં હાજર ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દ્વિપ સમૂહના દ્વિપોને પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ આપીને વડા પ્રધાને આ જવાનોની યાદ હંમેશા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. કાર્યક્રમમાં ચીફ અૉફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ હાજર હતા.